Thursday, December 29, 2011

//Dil Se Desi// ચાણક્ય અને ચાર્વાક.

 


ચાણક્ય અને ચાર્વાક

ચન્દ્રકાન્ત બક્ષી

             હીન્દુ વીચારધારામાં વીરોધને સમ્પુર્ણ અવકાશ છે. તર્કની સામે પ્રતીતર્ક કે વીતર્ક, વાદની સામે પ્રતીવાદ, સાદની સામે પ્રતીસાદ, પક્ષની સામે વીપક્ષ, સંકલ્પની સામે વીકલ્પ, જેવા શબ્દો છે. માતાનો વીરોધી શબ્દ કુમાતા કે પુરુષનો વીરોધી શબ્દ કાપુરુષ કદાચ સંસ્કૃત સીવાય અન્ય પ્રમુખ ભાષાઓમાં આયાસ કરીને શોધવા પડે. આપણી સંસ્કૃતી માટે અપસંસ્કૃતી શબ્દ આપણે વાપરતા નથી. તર્કની સામે વીતર્ક કરનારને પણ આપણે સ્થાન આપ્યું છે અને એ જ આપણી શક્તી પણ છે અને અશક્તી પણ છે. ઈસ્લામમાં કુરાનની ખીલાફ કંઈ નથી, કંઈ થઈ શકે નહીં. કેથલીક વીચારધારા એટલી જ જલદ છે. સ્પેનમાં ૭૦૦ વર્ષો સુધી મુળ આરબોએ રાજ કર્યું; પણ સ્પેનમાંથી મુસ્લીમોને કાઢી મુકાયા; કારણ કે કેથલીક ધર્મ પણ સખત કટ્ટર હતો. પુરા દક્ષીણ અમેરીકાની પ્રજા લગભગ કેથલીક છે, સ્પેનીશભાષી છે; (માત્ર બ્રાઝીલ પોર્ટુગીઝ બોલે છે) પણ ત્યાં એ પુરા ખંડમાં, મુસ્લીમો નથી ! પશ્ચીમ અને ભારતવર્ષના ફરક વીશે એક વાર મારે ઈતીહાસકાર ડૉ. મોરાએસ સાથે ચર્ચા થતી હતી. મેં કહ્યું કે જોન ઓફ આર્કથી જ્યોર્ડાનો બ્રુનો સુધી, એ પહેલાં અને પછી પણ હજારો માણસોને પશ્ચીમે વીરોધ, વીતર્કી વીચારધારા માટે જીવતા સળગાવી મુક્યા છે. (એક કીસ્સામાં લોહી ન પડવું જોઈએ એ 'દયાભાવ' રાખીને એ ચીન્તકને જીવતો સળગાવ્યો હતો ! એ વખતે સ્પેનમાં ઈન્ક્વીઝીશન ચાલતું હતું.) હીન્દુઓએ વીતર્ક માટે કોઈને જીવતો સળગાવ્યો હોય એવું ઈતીહાસમાં પ્રમાણ મળતું નથી. પછી ઈતીહાસકાર ડૉ. એલ. બી. કેણી સાથે આ વાત કરતો હતો ત્યારે ડૉ. કેણીએ કહ્યું કે આપણે ત્યાં ચાર્વાકને જીવતો સળગાવ્યો હતો એવી કથા છે! ચીન્તક ચાર્વાક હીન્દુ પારમ્પરીક વીચારધારાથી બીલકુલ વીરોધી વીચારો ધરાવતો હતો. એના વીશે ચુપ રહેવાનું ષડ્યંત્ર આપણા આધ્યાત્મીકોએ સદીઓથી અપનાવેલું છે. ચાણક્ય બીજો એક ચીન્તક હતો; પણ તેની વીરોધીતા જરા નમ્ર પ્રકારની હતી, ચાર્વાક જેટલી ઉદ્દીપક ન હતી. ચાણક્યનાં ઘણાં કથનો આપણી પ્રણાલીકા માટે ખંડનાત્મક હતાં. આપણે ખંડનના નહીં; પણ મંડનના સંસ્કાર શીખ્યા છીએ અથવા આપણને પાવામાં આવ્યા છે. ચાણક્યને પ્રમાણમાં ઓછો અન્યાય થયો છે, ચાર્વાકને સમ્પુર્ણ અન્યાય કરવામાં આવ્યો છે.

                શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને પુરી ગીતા સંભળાવ્યા પછી કહે છે કે, ''મેં તને ગુહ્યથી ગુહ્યતમ વાતો સમજાવી છે; પણ હવે તને યોગ્ય લાગે એમ જ કર(યથેચ્છસી કુરુ).'' અન્ય ધર્મોમાં આ પ્રકારનું વ્યક્તી સ્વાતન્ત્ર્ય ઓછું અથવા નહીંવત્ જોવા મળે છે. આપણા ધર્મગ્રન્થો હમ્મેશાં નીર્વીકલ્પ સત્ય જ કહેતાં હોય એવી ધર્માચાર્યોની પ્રસ્તુતી હોય છે. એમાં ક્યારેક અપવાદ સ્વરુપ વીધાનો પણ મળતાં રહે છે, જે વીતર્કના પ્રાન્તમાં આવે છે. ચાણક્ય કહે છે કે જેને પોતાની બુદ્ધી નથી, એને શાસ્ત્ર પણ શું કરી શકે  (તસ્ય નાસ્તી સ્વયમ્ પ્રજ્ઞા શાસ્ત્રમ્ તસ્ય કરોતી કીમ્) ? સન ૬૦૦ની આસપાસ ધર્મકીર્તી નામક દાર્શનીક થઈ ગયા, એમનો એક શ્લોક મહાપંડીત રાહુલ સાંકૃત્યાયને એમના પુસ્તક 'દોર્જેલીંગ પરીચય'માં મુક્યો છે : 'વેદને અથવા કોઈ ગ્રન્થને પ્રમાણ માનવો, કોઈ ઈશ્વરને જગતનો સર્જનહાર માનવો, સ્નાનને ધર્મ માનવો, જાતીભેદને માનવો અને પાપમાંથી મુક્તી માટે ઉપવાસ આદી કરવા એ અક્કલ વગરના લોકોની જડતાનાં પાંચ લક્ષણો છે.'  જ્યાં સ્ત્રીઓનો આદર થતો હોય ત્યાં દેવતાઓનો નીવાસ હોય છે, એવું મનુસ્મૃતીમાં લખ્યું છે; પણ ચાણક્યનીતી કહે છે છળ તો સ્ત્રીઓ પાસેથી જ શીખવું (સ્ત્રીભ્ય: શીક્ષેત્ કૈવતમ્) સંસ્કૃત સુભાષીતો ક્યારેક યથાર્થવાદી બની જતાં  હોય છે.  દૃષ્ટાન્ત રુપે : 'દૈન્યે, વીસ્મૃતીભોજન:'  એટલે કે દુ:ખી હાલત આવી પડતાં; જે ખાવું–પીવું ભુલી જાય છે એ મુર્ખ છે…

                ચાણક્યનીતીના કેટલાય શ્લોકો પ્રવાત બની ગયા છે અને સામાન્ય સ્વીકૃત જનમાન્ય સત્યથી વીપરીત છે. ચાણક્ય કહે છે :  'કુળના બચાવને માટે એકને, ગામના બચાવને માટે કુળને, દેશના બચાવને માટે ગામને અને પોતાના બચાવને માટે પૃથ્વીને પણ જરુર પડે તો ત્યજી દેવાં. વીદ્યાથી શોભતો હોય એવા દુર્જનનો પણ ત્યાગ કરવો; કારણ કે મણીથી શોભતો નાગ ભયંકર નથી ?… લોભીયાને ધનથી, અક્કડને હાથ જોડીને, મુર્ખને તેની મરજી પ્રમાણે ચાલીને અને પંડીતને યથાર્થપણાથી વશ કરાવા… બહુ લામ્બું ખેંચનારો નાશ પામે છે (દીર્ઘ સુત્રી વીનશ્યતી)… ધન, મીત્ર, પત્ની તથા પૃથ્વી એ બધું ફરીથી મળી શકે છે; પણ શરીર ફરીથી મળતું નથી… લોકો હમ્મેશાં ગતાનુગતીક એટલે એકની પાછળ બીજો એમ ચાલનારા હોય છે, વીચાર કરનારા નથી… રાજા સદાચારી હોય તો પ્રજા સદાચારી હોય છે અને રાજા પાપી હોય તો પ્રજા પાપ કરનારી બને છે. પ્રજા રાજાને જ અનુસરે છે, જેવો રાજા તેવી પ્રજા. (યથા રાજા તથા પ્રજા) !'

                વીતર્ક અને ભેદ લગભગ સગોત્ર છે. વીચારભેદ, રુચીભેદ, રસભેદ, મતભેદ, મનભેદ,  દૃષ્ટીભેદ જેવા વ્યક્તી અને વ્યક્તીની વચ્ચે ભેદો હોઈ શકે છે અને એ માટે ભારતીય સંસ્કૃતીમાં વ્યક્તીનું હનન કરવામાં આવતું નથી, આવ્યું નથી. મતભેદ છે એટલે આધુનીક લોકશાહી ઉભી છે, મતભેદ જ લોકશાહીની બુનીયાદ છે, લોકશાહીનો મુલાધાર છે. દરેક પ્રશ્નનો એકમાત્ર ઉત્તર જ હોવો જરુરી નથી, વીકલ્પ હોઈ શકે છે. તો જ નવા વીચારો પ્રગટી શકે છે. પશ્ચીમના ગમ્ભીર વીચારકો માને છે કે ઈસ્લામમાં માનનારાઓની 1૦૦ કરોડની આબાદી પૃથ્વી પર છે. મોરોક્કોથી અફઘાનીસ્તાન સુધીના ઈસ્લામી વીશ્વની સમ્પત્તી પુરા વીશ્વની સમ્પત્તી કરતાં વધી શકે છે; પણ એવું થયું નથી અને સૌથી પછાત આ ઈસ્લામી વીશ્વના દેશોના સમાજો છે, અશીક્ષીત, મુફલીસ, શોષીત, દીશાહારા, વસ્તુહારા. સ્ત્રીઓની પરતન્ત્રતા પણ એક પ્રમુખ નકારાત્મક આયામ છે, એવું ચીન્તકો માને છે. લગભગ બધા જ ઈસ્લામી દેશોમાં વીરોધપક્ષો કે વીરોધવીચારો લગભગ નગણ્ય છે. તર્કની સામે વીતર્ક નથી. એકતા છે; પણ અનેકતાને દબાવી દેવામાં આવે છે.

                ચાર્વાક વીશે બહુ સાહીત્ય પણ લભ્ય નથી. જ્યારે જ્યારે ચાર્વાકના નામનો ઉલ્લેખ આવે છે ત્યારે એક વાક્ય સાથે સાથે જ બોલાય છે, જે ચાર્વાકે કહ્યું હતું : 'દેવું કરીને પણ ઘી પીવું !' ચાર્વાક હેડોનીસ્ટ છે, એપીક્યુરીયન છે, આજની ભાષામાં કહીએ તો અંશત: એક્ઝીસ્ટેન્સીએલીસ્ટ અથવા અસ્તીત્વવાદી છે. જુના સન્દર્ભ પ્રમાણે કહેવું હોય તો સ્થાપીત મુલ્યો સામે નવાં વીપ્લાવક અને ક્રાન્તીકારક મુલ્યોની મશાલ પ્રગટાવનાર વીચારક છે. એ આવતી કાલ કે અનાગતમાં માનતો નથી, એનો અભીગમ જીવનવાદી છે. પ્રાચીન કાળમાં આવા વીચારો પ્રગટ કરતા રહેવાનું દુ:સાહસ ચાર્વાક માટે કુપરીણામ બની ગયું. કીમ્વદન્તી એવી છે કે ચાર્વાકને એના વીચારો માટે જીવતો સળગાવી દેવામાં આવ્યો. એનું સર્જન પણ ખાસ ઉપલબ્ધ નથી. શક્ય છે કે નાશ કરી નાખવામાં આવ્યું હોય; પણ જે પ્રાપ્ત છે એ સ્ફોટક છે. ચાર્વાકના સમય વીશે મતાન્તર છે. ડૉ. રાધાકૃષ્ણનના મતાનુસાર ચાર્વાકનો સમય ઈસા પુર્વ ૩૦૦થી ૨૦૦નો હોવો જોઈએ; પણ કેટલાક વીદ્વાનો આનાથી વીપરીત અભીપ્રાય આપે છે. અનાચાર, કામાચાર, વામાચાર ચાર્વાકના વીચારોમાંથી જન્મેલી વીરાસત છે એવો એક મત છે. ચાર્વાકની ફીલસુફીને સંપુણત: ચરીતાર્થ કરે એવો અતી પ્રસીદ્ધ શ્લોક છે. એ શ્લોકનો ભાવાર્થ : 'જ્યાં સુધી જીવતા રહો, સુખથી જીવતા રહો. દેવું કરીને પણ ઘી પીઓ; કારણ કે ભસ્મ થઈ ગયેલા દેહનું ફરીથી આગમન કેવી રીતે થઈ શકે ?' ચાર્વાકના વીચારો આજના યુગમાં પણ ક્રાંતીકારી અને ધારદાર મૌલીક લાગે છે તો એ ૨૨૦૦ કે ૨૩૦૦ વર્ષો પહેલાં કેટલા વીસ્ફોટક લાગતા હશે ?

                ચાર્વાકના કેટલાક વીચારોની સુચી એકત્ર થઈ શકી છે : 'સ્વર્ગ નથી અને નર્ક નથી, પરલોકથી સમ્પર્ક કરી શકે એવો કોઈ આત્મા નથી. વર્ણાશ્રમ સમ્બન્ધીત ક્રીયાઓ પણ ફલપ્રદ નથી. અગ્નીહોત્ર, ત્રણ વેદો, ત્રીદંડ ધારણ કરવું, ભસ્મનો લેપ કરવો, આ બધું બુદ્ધીહીન અને પૌરુષહીન લોકોની આજીવીકા માટેનાં સાધનો છે. જો યજ્ઞમાં મારી નાખેલું પશુ સ્વર્ગમાં જતું હોય તો યજમાન પોતાના પીતાને જ યજ્ઞમાં મારીને સ્વર્ગમાં કેમ મોકલતો નથી ? શ્રાદ્ધ મૃતકોને તૃપ્તી પહોંચાડતું હોય તો બુઝાઈ રહેલા દીપકને કેમ પ્રજ્વલીત કરી શકતું નથી ? અહીં કરેલું દાન જો સ્વર્ગસ્થ વ્યક્તીને મળી શકતું હોય તો મકાનના ભોંયતળીયે અપાયેલું દાન મકાનની અગાશીમાં બેઠેલાને કેમ પહોંચતું નથી ? મૃતકની પાછળ શ્રાદ્ધ એ બ્રાહ્મણોએ પોતાની આજીવીકા માટે ગોઠવેલું આયોજન છે. વેદની અન્દર જ એવું કહેવાયું છે કે અશ્વમેધીય અશ્વ–શીશ્ન યજમાનની પત્ની દ્વારા ગ્રાહ્ય છે.' આવી ઘણી વાતો કહી છે.

                ચાર્વાકનું કહેવું છે કે : 'પ્રત્યક્ષ એ જ પ્રમાણ છે. આત્મા નથી, શરીર એ જ આત્મા છે, સ્વર્ગ આદી પરલોક નથી. પુણ્ય અને પાપ જેવા શબ્દો પણ માન્ય નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર ઘટકો પુરુષાર્થના નથી. પુરુષાર્થના બે જ ઘટકો છે, અર્થ અને કામ. વીષયસુખ અને મરણ એ બે જ મોક્ષ છે. મન એક જ ઈન્દ્રીય છે. જ્ઞાન પણ તત્વત: એક પ્રકારની ક્રીયા જ છે.' ચાર્વાકના તત્કાલીન વીચારો આજની અસ્તીત્વવાદી વીચારધારાની બહુ નીકટ આવી જાય છે. ચાર્વાક વીશે આપણી પાસે બહુ માહીતી નથી; પણ એ કદાચ આપણો સોક્રેટીસ હતો… !

: ક્લોઝ અપ:

શક્કર ઘોલે જુઠ કી, ઐસે મીત્ર હજાર,

ઝેર પીલાવે સાંચ કો, એ વીરલા સંસાર

(પ્રાચીન દુહો)

–ચન્દ્રકાન્ત બક્ષી

રવીવાર તા. 19 ફેબ્રુઆરીના 2005ના 'દીવ્ય ભાસ્કર' દૈનીકની રવીવારીય પુર્તી 'રસરંગ'માંથી સાભાર..

આ દૈનીકના પહેલા અંકના પ્રકાશનથી જ બક્ષી બાબુ એના કટાર લેખક છે. આજે તો હવે એમ લખવું પડે છે કે હતા…..

(છેલ્લે છેલ્લે લખાયેલા અને હજી ગ્રંથસ્થ નહીં થવા પામેલા એમના કેટલાક લેખો આપવાની ઉમેદ છે. એક લેખ એટલે જાણે પાસાદાર અણમોલ હીરો ! હવે એમની પાસેથી થોડું કશું કંઈ મળવાનું છે ! જે છે તે જાણીએ–માણીએ..


By-- ગોવીન્દ મારુ



__._,_.___
Recent Activity:
Kindly visit the Group's website for Entertainment and Infotainment @ www.dilsedesi.org

***DIL SE DESI GROUP***
You can join the group by clicking the below link or by copying and pasting it in the browser bar and then pressing 'Enter'.

http://groups.yahoo.com/group/dilsedesigroup/join/

OWNER           : rajeshkainth003@gmail.com (Rajesh Kainth}     
MODERATOR       : sunil_ki_mail-dilsedesi@yahoo.co.in (Sunil Sharma)
MODERATOR       : dollyricky@gmail.com (Dolly Shah)
MODERATOR       : boyforindia@gmail.com (Mr. Gupta)


To modify your list subscription, please send a blank email to:           

SUBSCRIBE           :  dilsedesigroup-subscribe@yahoogroups.com      
UNSUBSCRIBE           :  dilsedesigroup-unsubscribe@yahoogroups.com      
INDIVIDUAL MAILS     :  dilsedesigroup-normal@yahoogroups.com           
DAILY DIGEST           :  dilsedesigroup-digest@yahoogroups.com           
VACATION HOLD           :  dilsedesigroup-nomail@yahoogroups.com     
FOR POSTING MESSAGES :  dilsedesigroup@yahoogroups.com
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Post a Comment